ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના ભયાનક ભૂકંપના 25 વર્ષ પૂરા થયા છે ત્યારે રાજ્યભરમાં મૃત્યું, પીડા, હિંમત અને પુનર્નિર્માણની અનેક યાદો તાજી થઈ હતી. 26 જાન્યુઆરી, 2001ના રોજ સવારે 8.46 વાગ્યે પશ્ચિમ ગુજરાતમાં ૭.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામ નજીક હતું. રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થઈ હતી, રસ્તાઓ પર તિરાડો પડી ગઈ હતી અને આખે આખે ગામડાઓનો નાશ થયો હતો.
સત્તાવાર આંકડા મુજબ મૃત્યુઆંક 20,000નો હતો, જ્યારે1.66 લાખથી વધુ લોકો ઘાયલ થયાં હતાં.આ ભૂકંપ લગભગ ૮૫ સેકન્ડ સુધી ચાલ્યો હતો, પરંતુ તેનાથી થયેલા નુકસાને ગુજરાતને હંમેશા માટે બદલી નાખ્યું. તે સ્વતંત્ર ભારતનો સૌથી ઘાતક ભૂકંપ હતો અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન અને મકાન સલામતીમાં મોટા સુધારાઓ તરફ દોરી ગયો હતો.
કચ્છ જિલ્લામાં સૌથી વધુ વિનાશ વેરાયો હતો, જ્યાં લગભગ ૧૮,૦૦૦ લોકોના મોત થયાં હતાં. અમદાવાદ જેવા શહેરોમાં ભારે જાનહાનિ નોંધાઈ હતી, જ્યારે રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓને વ્યાપક નુકસાન થયું હતું.
કચ્છના અંજાર શહેરમાં આ ભૂકંપથી 2,000 લોકો માર્યા ગયાં હતાં અને 6,000થી વધુ પરિવારો બેઘર થઈ ગયાં હતાં, કારણ કે ઘરો અને ઇમારતો જમીનદોસ્ત બની હતી.